• ગોઝારિયા સંક્ષિપ્ત માહિતી

અપના સૌનું માદરે વતન ગોઝારિયા, આમ્બલિયાસન- વિજાપુર રેલ્વે લાઈન પર, આમ્બલિયાસનથી ૧૫ કિ.મી. અને અમદાવાદથી ૬૫ કિ.મી. તથા ગાંધીનગરથી ૩૨ કિ.મી. ના અંતરે અમદાવાદ, ગાંધીનગર,વિસનગર, ખેરાળુ, અંબાજી હાઈવે ઉપર વસેલું છે. ગુજરાત રાજ્યના તાલુકો- જિલ્લો મહેસાણાના મોટા સંસ્કારી ગામ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. આ ગામની એક આગવી ગોકુળ ગામ જેવી ગૌરવ ગાથા છે.

 

સ્થાપના : વરિષ્ઠ નાગરિકોની વાતો તથા વહીવંચા બારોટની નોંધ મુજબ આ ગામ 'સંધાસણ'  કે 'સિંહાસન'  નામે ઓળખાતું હતું. આશરે ૧૨૩૦ વર્ષો પહેલા સવંત ૮૨૯ વૈશાખ સુદ-૩ ને ઈ.સ. ૭૭૩ ના દિવસે વસ્યું હતું.

આ ગામને આશરે ૧૦૦ વિધાનું મોટું ગૌચર છે, તેમાં જુનું અંબાજી માતાનું મંદિર આવેલું છે.

શ્રી અંબાજી માતાના મંદિરના પરિસરમાંથી 'સરસ્વતી' દેવીની કલાત્મક ખંડિત મૂર્તિ મળી આવી હતી. જે આરસપહાણની છે અને હાલ ગોઝારિયા હાઈસ્કૂલમાં છે  આ મંદિરની પાસે એક તળાવ છે જે 'ભીમ તળાવ' તરીકે ઓળખાય છે. ઉપરોક્ત માહિતીના આધારે એમ કહી શકાયકે  આજનું આપનું ગોઝારિયા ગામ વર્ષો પહેલા અંબાજી માતાના વિસ્તારમાં વસ્યું હશે.

 

ગોઝારિયા નામની ઉત્પતિ : ગામમાં પ્રચલિત એક દંતકથા છે કે ગૌચર માં એક ગાય કોઈ એક ચોક્કસ જગ્યાએ ઝરી જતી હતી. તેથી આ જગ્યાએ ગોઝારિયા ગામનો વસવાટ થયો. 'ગોઝરી'  ઉપરથી 'ગોઝારિયા'  - 'ગુઝારિયા' - ગોઝારિયા એમ અપભ્રંસ થયો.  ૬૦ વર્ષ પહેલા આ ગામ  'પારેખવાડા' તરીકે ઓળખાતું હતું. આ ગામના 'પારેખ' કડવા પાટીદાર હતા જેમના વડવાને ગાયકવાડ સરકારે મહેસુલીનું કામ કાજ સોંપેલું તેથી આ પારેખ 'અમીન'  ના નામથી ઓળખાય છે.

 

સ્થળાંતર: શ્રી અંબાજી માતાના મંદિરના આસપાસ વસેલું આ ગામ કયારે અને કયા સંજેગોમાં 'મોટા માઢ'  વાળી જગ્યાએ આજના નવા ગામ ગોઝારિયાનો વસવાટ શરુ થયો તે સંશોધનનો વિષય છે.બારોટની વંશવહીના આધારે  મોટા માઢવાળી જગ્યામાં સંઘજી વંશના પૂર્વજો વસીને રહ્યા હતા.

 લાલપુર ગામ, વના (વેણા) પટેલ, ચાંપો શાહ અને હર્ષોદ પટેલ: બારોટની નોંધ મુજખ સિદ્ધપુર નજીક લાલપુર ગામમાં વના (વેણા) પટેલ રહેતા હતા. જેઓ ગોઝારિયાના હર્ષોદની દીકરી તેજબાને પરણ્યા હતા. લાલપુરમાં ચાંપા શાહ સાથે વેણા પટેલનો ઝઘડો થતા વેણા પટેલ  લાલપુર ગામ છોડી પોતાના કુટુંબ સાથે સવંત ૧૨૭૦માં સસરાના ગામ ગોઝારિયા આવી વસ્યા.  બીજા ભાઈ હાલ કરણનગર નામે ઓળખાય છે..આ ભાઈના વંશજો "ગોઝારિયા પાર્ટી "ના નામે ઓળખાય છે. તેમના ત્રીજા ભાઈ અમદાબાદ શાહપુર વિસ્તારમાં વસ્યા જે આજે પણ "ગોઝારિયાની પોળ" મામે અસ્તિત્વ ધરાવે છે.

વેણા પટેલને બે દીકરા હતા. કુંભોભાઈ અને કરમશીભાઈ. કુંભોભાઈ અને તેમના વારસદારો જે વિસ્તારમં વસ્યા તે વિસ્તાર 'તલપદ' કે 'તરપોજ'  તરીકે ઓળખાયો. તેમના વારસદારો 'સંઘજી પરિવાર' ના નામે ઓળખાય છે. કુંભોભાઈ અને કરમશીભાઈ વચ્ચે સારા સંબંધો ન હતા. તેથી કરમશીભાઈ વાંટાવીસ્તારમાં વસવાટ કરી પોતાનો અલગ ચીલો ચાલુ કર્યો. તળપોજની મુલક્ગીરી ગાયકવાડ સરકારની સત્તા નીચેના કડી વિસ્તારમાં ગણાતી. જયારે વાંટો વરસોડાના દરબારની આણ નીચે હતો.

સંઘજી પરિવારની પાંખડીઓનો વંશવેલો વધતા પરાની પોળોનું સર્જન થયું.ગાયકવાડ સરકારની મદદથી ગામમાં ત્રણેક કુવાઓ વણજારાઓ દ્વારા બંધાયા. ખેતીકામ માટે બીજા ખેડૂત કુટુંબો બહારથી આવીને વસ્યા.

 

સંઘજી પરિવાર:   કુંભોભાઈના વંશવેલામા જુઠાભાઈ, નારણભાઈ અને ચોથી પેઢીએ લક્ષ્મીચંદ આવે છે. લક્ષ્મીચંદને છ દીકરા:  સંઘજીભાઈ, લાલજીભાઈ, હીરજીભાઈ, વિરજીભાઈ, કાનજીભાઈ અને દેવજીભાઈ. તેમને વસીબા નામે એક દીકરી પણ હતી. સંઘજીભાઈનો  પરિવાર મોટો ભાગ કહેવાયો અને અન્ય પાંચ ભાઈઓના પરિવારો નાના ભાગ તરીકે ઓળખાવા લાગ્યા.ગામમાં પાંખડી મુજબ ગામના મુખી થવાનો વારો આવતો. એ મુખીઓના નામ આ પ્રમાણે છે.  નથ્થુદાસ ખુશાલદાસ, મફતલાલ મોહનલાલ, શંકરભાઈ ઈશ્વરદાસ,રામાભાઈ ગણેશદાસ, ઈશ્વરભાઈ અમીચંદદાસ, જોઈતારામ ઈશ્વરદાસ  વગેરે. ગામમાં મુખ્ય વસ્તી પટેલોની હતી અને આજે પણ છે. આઝાદી પછી ગામના મુખી "પોલીસ પટેલ" નામથી ઓળખવા લાગ્યા. સ્વ. જીવનભાઈ જૈશીંગદાસ એ રીતે પોલીસ પટેલ થયા તે પછી પંચાયતી રાજ  શરૂ થતા ગામના પ્રથમ સરપંચ તરીકે ડૉ. અમીચંદભાઈ ડી.પટેલ બન્યા. જે બાજુના કાંઠા ગામથી અહીં આવેલા. ડોક્ટર તરીકે તેમણે આ વિસ્તારમાં સારી નામના મેળવેલી. મોટા માઢના પટેલ શારદાબેન જીવણલાલ ગામમાં એસ.એસ.સી. થનાર સોપ્રથમ સ્ત્રી સભ્ય હતા.

 

પરેખવાડું (ગોઝારીયા) : ગોઝારિયાના અમીનોના આધપુરુષ નંદલાલ પ્રેમજીભાઈ પારેખ અમદાવાદના નવરંગપુરાના કડવા પાટીદાર હતા. સવંત ૧૮૦૦માં  દ્વારકાની યાત્રા દરમિયાન ગોમતી સરોવરમાંથી તેમને શિવલિંગ મળ્યું હતું. તેઓ ૧૮૦૨માં ગોઝારિયા આવ્યા અને ચૈત્ર સુદી પાંચમે આ શિવલીંગની પ્રતિષ્ઠા કરી જે આજે સીદ્ધનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે.તેઓ ૧૮૧૩માં અવસાન પામ્યા.અમીનોએ ૧૯૦૦માં  પરામાં રામજી મંદિર (શ્રીકૃષ્ણ મંદિર) બંધાવ્યું. કલ્યાણભાઈ (કલા પારેખ) અને જેસંગબાઈ (કૈડવો રાજા) નો સારો પ્રભાવ હતો. તે પછી શ્રી રામચંદ્ર જમનાદાસ અમીને વિજાપુરના એક બાહોશ વકીલ તરીકે અને કેળવણીકાર તરીકે સારી નામના  કાઢી. ૨૭ વર્ષ ગો.કે.મડળના પ્રમુખ તરીકે સારી સેવાઓ આપી તેમજ સાસંદ તરીકે ચુંટાયેલા.

 

પાવન પગલા :  ૧૧૬ વર્ષ પહેલા તા.૧૧-૧-૧૮૯૪નાં રોજ ભારતના એક ક્રાંતિકારી અને યુગપુરુષ મહર્ષિ અરવિંદ ઘોષ પધારેલા. ૧૮૯૪માં મહેસાણા પરગણામાં પડેલા દુકાળનું  સર્વેક્ષણ કરવા શ્રીમંત સયાજીરાવ મહરાજે મોકલાવેલા.

 

રેલવેની શરૂઆત : અમીનોના ગાયકવાડ સરકાર સાથેના સારા સંબધોની કારણે તા.૦૧-૦૯-૧૯૨૮ના રોજ  આમ્બલિયાસણ ગોઝારિયા - વિજાપુર રેલવે લાઈન શરૂ થઇ. સોમનાથ પંચાલે રેલવે પ્લેટફોર્મ બંધાવેલું.

 

મીરખાં બહારવાટિયો : ઈ.સ. ૧૯૨૨માં પાટણ બાજુથી આવેલા મીરખાંએ ગોઝારિયામાં ધાડ પાડી લૂંટ ચલાવેલી. તેને ખેડૂતોને લૂંટ્યા ન હતા. મીરખાંની ગોળીથી મોહન રાવળનું મૃત્યુ થયું હતું. પ્રખ્યાત લેખક પુષ્કર ચંદાવરકરે ગામની મુલાકાત લઇ મીરખાં વિશે "મુંબઈ સમાચાર" દૈનિક પત્રમાં એક નવલકથા પણ ક્રમશ: શરૂ કરેલી .